ઈશ્વર વિવાહ #
શંકર શારદાને શીશ નામું
ગરવા ગણપતિ જુઓ મુજ સામુ
સમરૂ શારદા સમરથ જાણી
અંબા આપો અવિચળ વાણી
પરમોદીને પુછે વાત
કેમ પરણ્યા તે શંભુનાથ
વિવાહ વૈકુંઠનાથે વખાણો
એવો દેવી દાસે ન જાણ્યો
પ્રભુજીનું તે નામ જ પીછવું
વિવાહ વિગતે કરીને ગાવુ
વળતી રૂષિએ માંડી વાત
તમે સાંભળો શંભુનાથ
અહિથી દૂર ઘણી ભૂમિ થાય
ત્યાંહી રહી છે, હિમાચલ રાય
તેને ઘેર છે, મેના મારી
તેને કુળ છે કન્યા કુવારી
કોર્ડે શોભા તેની ઘણી કહાવી
મહારૂપ અનુપ લાવી
દિસે દેવી તણો અવતાર
શોભા કહેતા ન આવે પાર
હિંડે હંસ તણી ગતિ ધરતી
ભૂમિ ઉપર ડગલા ભરતી
કટી જાણે કેશરી લંક
અવની ઉપર આડો અંક
વેણ વાસુકી નાગ લજાય
દીસે કંચન સરખી કાયા
ચરણ કદી સ્થંભ સા જાણુ
તપ ઋષિથી અધિક વખાણું
બેઠી છે તે બાલ કુંવારી
સામ સોહે છે વરને વિચારી
કહે નારદ નયણે મેં નિરખી
દેવ કન્યા છે શંભુ સરખી
શંભુ કહે તમે નારદ જાઓ
ઋષિ વાયુથી વેલા આવો
શંભુકામ કહો સમ આણી
ઋષિ ચાલ્યા સુણી એવી વાણી
એમ કહીને નારદ ત્યાં આવ્યા
મહાદેવના માગા લાવ્યા
જેથી માતા-પિતાના મન મોહે
એવો વર કન્યાને સોહે
વળતા ઋષિએ માંડી વાત
વર સારો છે શંભુનાથ
જેને સુરવર મુનીવર જાણે
જેને વેદતે રૂડો વખાણે
ત્યારે બોલ્યા છે મેના માત
કોણ ખંડનો છે વરરાય
એનું કૂળ છે કેવી જીત
એતો વર છે કેવી નાત
કહે નારદ સાંભળો બાઈ
એને કૂળ છે આધ્ય વડાઈ
એનું સુંદર ફળ બહુ સારૂ
દેખી મન માને છે મારૂ
જો કોઈ અણજુગતુ કહે તમને
તેની ખોટ વરધ છે અમને
ઈશ્વ૨જી છે વિવાહ સરખા
એવા વચન સુણીને રાય હરખા
જોયા વિના અજોયું કિધું
શંભુનાથનું શ્રીફળ લીધુ
નારદ કહે તમે સાંભળો રાય
કહું મહાદેવનો મહિમાય
બ્રહ્માદિકને શ્રી ભગવાન
સાથે આવશે સર્વે સમાન
એવા વચન કહી ઋષિ વળીયા
શંભુજીના તે પંથે વળીયા
મહાદેવને મંદિર આવ્યા
ઋષિ રૂડા સમાચાર લાવ્યા
હિમાચલે તે કન્યા દીધી
શંભુનાથની સગાઈ કિધી
એવી વાત કહી છે વાલી
શિવ હસીને દીધી છે તાળી
ચાલો જગદીશ પાસે જઈએ
વિવાહ વૈકુંઠ નાથને કહીએ
લક્ષ્મી વરને તેડી લેજો
પરીયાણ પ્રભુજી શું કીજે
હિમાચલને હરખ ન માય
મહામંડપ રચ્યો ત્યાંય
તેડ્યા સલાટ, સુતાર, સોનાર,
તેડ્યા કારીગરોને ઠાર
બ્રહ્માજી એ મૂહર્ત સારૂ સાધી
દીશા જોઈને દોરડી બાંધી
ભૂમિ ચાર જોજન ભરી લીધી
પરવાળાની પુરણી કીધી
મણી જડીત્ર મોડ ઘડાવ્યા
ત્યાં તો બ્રાહ્મણો સર્વે આવ્યા
ભુમિ ઉંચા ભવન આકાશે
માં હી જડિત્ર જયોતિ પ્રકાશે
માંહી જુગતિ તણી ગતિ જાણી
નવરંગની રચના આણી
એવી મંડપની રચના માંડી
ચતુરાઈથી ચિત્ર જ કાઢી
મોહી ભેદ ભુલવણી ભારી
માંહી વણજ કરતા દોશી
માંહી મન મોજી મન ગમતા
ભાટ ચારણ રમતાને ભમતા
માંહી ગોપ વાંસળીઓ વાળા
માહી ચાલતા મારગ ટાળ્યા
કોઈ ઘોડે ચડયા અસવાર
બક્તર પાખરનો નહી પાર
માંહી માતંગ મદ ઝરતા
માંહે માંહી લડાઈ મસ્તી કરતા
સુંઢવાળાને સાંકળો આજે
ગળે બાંધ્યા તે હયધર ગાજે
માંહી ગાંધર્વ ગાન ઉચરતા
ત્યાંય આનંદ ઓચ્છવ થાય
એવું લખ્યું છે મંડપ માય
બીજી નાટક વાત ન જાણું
વનસ્પતિ શું મુખથી વખાણું
માંહી અનુપમ આંબા ફળીયા
જોવા જેવા જાંબુડા ગળીયા
ગળ્યા ખારેકને ખજુર
ફળફોફળને નાળીયેર
લીલી કેળને કર્મદ પાકી
બોરડીએ રહયા બોર બાઝી
વળી બદામો તે લીલી
તે તો દિસે છે નવરંગ લીલી
નવરંગી તે નાગર વેલી
શોભા વૈકુંઠની લાવી મેલી
વનસ્પતિ તે ભાર અઢાર
માંહી પંખી તણો નહીં પાર
જયારે મધ્ય મંડપમાં આવ્યા
ત્યારે હરખે શું હંસ લખાવ્યા
માંહી મોર મધુરા બોલે
જોતા નાવે કોયલડીને તોલે
માંહી નવરંગ સારસ સુડા
માંહી પારેવા પોપટ પઢતા
ત્યાંતો કુરંગી કુકડા વઢતા
મેના બોલે છે શબ્દો મીઠા
બગ ધ્યાન ધરીને બેઠા
પર ભૂમિ તણા જે પંખી
જેની જાત લખી છે અસંખી
એવી મંડપ રચના કહાવે
એવી જાન શંભુનાથ લાવે
મઢી આગળ માંડવા નાખ્યા
શંભુનાથ ૫૨ણવા ચાલ્યા
શિવે ઝુકતે શું જટા બાંધી
પહેરી ફાટેલી કયા સાંધી
ભાર ભાંગ ધતુરાનો આણ્યો
મહાદેવે પોઠીડો પલાણીયો
ગળે પહેરી છે રૂંઢની માળા
અંગે લપટયા ભોરીંગ કાળા
શંભુનાથ સમાચાર કહાવે
એવો વેશ ધરીને વર આવે
નવ જોબની નેણ સમાવી
સામૈયે આવી છે સુંદર નારી
જોવા ગયા છે મન જમાઈ
પડયા મેના ત્યાં મુર્છા ખાઈ
ભુખ્યો બ્રાહ્મણ ભુંડો જાણ્યો
અણગમતો આંગળીયે આણ્યો
એવા વચન કહીને સૌ જાય
જઈને કહયું હિમાચલ રાય
માતા કુંવરીને એમ કહાવે
બાઈ તારો બળદે ચડીને વર આવે
કુંવરી કહે કળમની વાત
વર પામી હું શંભુનાથ
જેમને ઋષિ એ વર આપ્યો
તે મેં સત્ય કરીને સ્થાપ્યો
ત્રણ લોકમાં તપ મેં કીધુ
શંભુનાથનું સગપણ લીધુ
એવા વચન કહીને કરી વાત
મુખથી બોલ્યા મેના માત
આ તે પુત્રી મેં કયાં થકી જાઈ
વિષની ગળથુથી કાન પાઈ
વર દીઠે શું વરને વખાણો
હંસને કાગને કોટે બંધાણો
પહેલા પોખવા જે કોઈ જાશે
તેને સાપજ કરડી ખાશે
એમ મેના તે મનમાં વિમાસે
કોણ જાય તે જોગી પાસે
દેવ કન્યા એને કેમ દીજે
માટે રૂડુ ગમે તે કીજે
સહુ હાંસી કરે એને દેખી
જોજો કુળવંતો જમાઈ
દેખી નારી પડી મુર્છા ખાઈ
વર મંડપમાં પધરાવ્યા
ત્યાં તો મોટા મુનીવર આવ્યા
બ્રહમા સાથે સોહે બ્રહ્માણી
ઈન્દ્ર સાથે સોહે ઈન્દ્રાણી
૨વી સાથે તે રાંદેલ રાણી
હિમાચાલ સાથે છે મેના
વળી વખાણ કરૂ કોના કોના
શીવા બેઠા પલોઠી વાળી
મધુપર્કમાં કાંસાની થાળી
લક્ષ્મી શીવને લુણ ઉતારે
સત્ય ભામા તે સહુને વારે
સહુ નાટક બોલે છે બોલ
નાવે જાંબુવતીને તોલ
રૂખમણી એની પેર ગાય
રાધી કાજી તે વારણે જાય
પાર્વતીને પાટ પધરાવો
મળી મળી માનુની મંગળ ગાઓ
સહુ બોલે છે શંભુ પક્ષે
જળ આવ્યા મેનાને ચક્ષે
અતિ આનંદ પરણ્યા ઈશ
સાથે જાનૈયા શ્રી જગદીશ
કન્યાદાન દેશે હિમાચલ રાય
વળી માનુની મંગળ ગાય
ધન્ય ધન્ય થયો અવતાર
વાજા વાગે દુદુંભી અપાર
બ્રહ્માએ શાશ્વતનું મુર્હુત સાંધી
લીલા વાંસની ચોરી બાંધી
સુંદર મંગળ વરત્યા છે ચાર
શિવજી આરોગ્યા કંસાર
શિવજીને હાથ ગરણુ ત્યાં થાય
દાન આપે હિમાચલ રાય
રાયે હસ્તી આપ્યા શણગારી
ઉ૫૨ અંકુશને અંબાડી
લાંબી ડોકના સાંઢીયા સારા
ગાયો ભેંસોના ટોળા અપાર
રાયે રથ આપ્યો છે ક્રોડ
સાથે ધોળા ધોળીની જોડ
પ્રભુજીને પહેરામણી કીધી
સહસ્ત્ર દાસી સેવામાં દીધી
ઘેડબંધ દીસે ઘરચોળા
ઘણા લાંબા પનાદાર પોળા
ભર જળીયા જામા મન ભાવે
મન ગમતા તે મશરૂ મંગાવે
વળી લાવો બીજા નવરંગી
જાન માંડવે અતી ઉછરંગી
ઘણી જુગતે જમાડી જાન
આપ્યા જાવંત્રી ફોફળ પાન
ગાય ગાંધર્વ અપ્સરા ગાન
છુટા બંદી થકી બંદીવાન
શંભુ ૫૨થી ચાલ્યા કૈલાસ
મૃત્યુ લોકમાં મેલ્યા દેવીદાસ
વાસા વાડમાં વાસો વસે છે
અતિ આનંદે વિવાહ કહે છે
જે કોઈ ઈશ્વર વિવાહ ગાશે
તેના પાતક પ્રલ્લે થાશે
જે કોઈ સાંભળશે નરનારી
તેની આશાપુરે ત્રિપુરારી
વિવાહ સાંભળી ઘરશે ધ્યાન
તેને રીજે તે શ્રી ભગવાન
તેને કૃપા કરે શંભુનાથ
ઝાલે સંકટ વેળાએ હાથ
ધન્ય ધન્ય પુત્ર પરિવાર
આપે પાર્વતી ભરથાર
— જય ભોલેનાથ —