માજી તુ પાવાની પટરાણી

માજી તુ પાવાની પટરાણી #

માજી તુ પાવાની પટરાણી ભવાની માં, કાળકા રે લોલ
માજી તારે ડુંગરીએ ચડવું રે અતિ ઘણુ, દોહયલુ રે લોલ
માજી તારા મંડપને વળી મોલકે દિસે, રળીયામણા રે લોલ
માજી તારા સ્થાનકને ઠેકાણે, સેવકડા લટી મળે રે લોલ
પતાઈને ઘેર ચતુરા નાર કે, કારકા શું બેની પણારે લોલ
માજીએ હસીને દીધો કોલ કે, કાલે અમે આવશું રે લોલ
માજીએ શોળકર્યા શણગાર કે, સેંથો સિંદુર ભર્યો રે લોલ
માજીને કંઠે એકાવન હાર કે ચીરમાળા, શોભતી રે લોલ
માજીને કાંબીને કડલા સા૨ કે, અણવટ વીસીયારે લોલ
માજીને દસે આંગળીયે વેઢ કે, હાથે વીટી હેમની રે લોલ
માજીએ પેર્યા દક્ષિણ ચીર કે,ઓઢી ચુંદડી રે લોલ
માજી મારા નવ દહાડા નવરાત કે, ગરબો કોરાવીયો રે લોલ
માજીએ સોળ સજયા શણગાર કે રમવા, નિસર્યા રે લોલ
માજી મારા રૂમઝુમ કરતા જાયકે ગઢપાવા, ભણી રે લોલ
ગરબે રમે છે સૈયર સાત કે, આઠમા કાળકા રે લોલ
આવી રૂડી રમત માંડી સાર કે, પાવાગઢ ચોકમાં રે લોલ
પાપીએ જઈને કીધી વાત, પતાઈજીને આંગણે રે લોલ
આજની રમત સારી થાય કે, એકનારી સબળ રમે રે લોલ
આજતો ઉગીને આથમ્યો દિન કે, કાલ ઓડા બાંધશુ રે લોલ
પતાઈએ મન કીધો વિચાર કે, ઓડા બાંધવા૨ે લોલ
પતાઈએ ઓઢયો પછેડો અંધાર કે, ઓડા બાંધીયા રે લોલ
માજી મારા ઝુમ ઝુમ કરતા જાય કે,ઝટ ઝાલ્યો કે છેડલો રે લોલ
માગ માગ પાવાના રાજન કે તૃષ્ટમાન, હુએ થઈરે લોલ
માગ્ય માગ્ય પુત્રને પરિવાર, બંધાવુ ઘેર પારણા રે લોલ
માગ્ય માગ્ય બાંધવ કેરી જોડ કે, રાણી રંગ મોલ મા રે લોલ
માગ્ય માગ્ય ઘોડાની ઘોડા હાર કે, હસ્તી ઝુલતા રે લોલ
માગ્ય માગ્ય ચુંવાળ મધ્યે ગામ, શનખલ પુર બેસણા રે લોલ
માગ્ય માગ્ય ઘેલુડી ગુજરાત કે, બાણુ લાખ માળવા રે લોલ
માગ્ય માગ્ય ચૌદ ચોકડીનું રાજ કે, આપુ હું ઘણું રે લોલ
માગ્ય માગ્ય ચારે ખંડનું રાજ કે, ચંદ્ર સુર્ય તપે રે લોલ
માગે માગ્યાના વરદાન કે, મોલ પધારજો રે લોલ
ફટ ફટ પાવાના રાજન કે, એ શું બોલીયા રે લોલ
આજે દશેને દિવસે કે, પાવો તારો પાપે જશે રે લોલ
આજથી છઠે ને છ માસે કે, મૂળ તારૂ જશે રે લોલ
ફટફટ પાવાના રાજન કે, હું દેવી કાળકા રે લોલ
માજી ત્યાંથી થયા છે અલોપ, પતાયજીએ હાથ ઘસ્યા રે લોલ
માજી મારા ચાલ્યા દક્ષિણ દેશ કે, પ્રપંચ એવા કર્યા રે લોલ
માજીએ તેડયા મૃગલા દૈત્ય કે, હાથ માં ખડગ ધર્યા રે લોલ
મૃગલા શીવ્યા ગોણ્યુ માય કે, પરંપરા એવા કર્યા રે લોલ
ચલાવી મૃગલા કેરી ફોજ કે, નાયક પોતે થયારે લોલ
ચલાવી પોઠુ તેણી વાર કે, ગઢ પાવા ભણી રે લોલ
પોળે આંઘળીયો દરવાન કે, પોળે પુછ્યુ રે લોલ
કોને ભાઈ કયાંથી આવ્યો પોઠ કે, ગોણમાં શું રે ભર્યુ રે લોલ
ગોણમાં મહાકાળી માનો માલ કે, હેમના સાંકળા રે લોલ
ગોણમાં આંબા કેરી સાખ, પતાઈને ભેટ થશે રે લોલ
ત્યાંથી બુઢીએ વ૨તી વાત કે, ભાલા નાખીયા રે લોલ
લાગ્યા ગોણુ તણા ઘટમાય કે, પોળીયો તુને ચડે રે લોલ
મુગલે કીધુ છે અતી જોર કે, હાંહાકાર થયો રે લોલ
પતાઈજી બેઠા મોલુ માય કે, શહેરની છબી જુએ રે લોલ
ત્રિશુલ તોળ્યુ તેણી વાર કે, પતાઈના મોલ ભણી રે લોલ
પતાઈને હતા બે દુધિયા તળાવ કે, પાણી નવ મળે રે લોલ
માજીએ ખોદાવ્યા બે કુંડ કે, ગંગા જમના થયા રે લોલ
માજી તારૂ ચૌટુ ચાંપાનેર કે, આપુ કાપડે રે લોલ
ગરબો શીખે સુણેને ગાય કે, વૈકુંઠ વાસ થશે રે લોલ
માજી તારા ગુણ વલ્લભ ગાય કે, ચરણે રાખજો રે લોલ
માજી તુ પાવાની પટરાણી ભવાની માં કાળકા રે લોલ

— જય અંબે —