શિવજી શેરીયાનો ગરબો

શિવજી શેરીયાનો ગરબો #

થયા છો શબ્દ થકી શાકાર શિવજી શેરીયા રે
મોટા મહા જોગી જટાધારા શિવજી શેરીયા રે …..(૧)

આપે ઈચ્છે કીધી એક શિવજી શેરીયા રે
નિરમળ નામ રૂપ અનેક શિવજી શેરીયા રે …..(૨)

ઘટઘટ વિશ્વનાથનો વાસ શિવજી શેરીયા રે
ગુણવંત ગીરજયા શોભે સંગ શિવજી શેરીયા રે …..(૩)

શીતળ ચંદ્ર ઘર્યો શીશ શિવજી શેરીયા રે
સ્વામી સકળ ભુવનના ઈશ શિવજી શેરીયા રે …..(૪)

તીલક ધન શોભે ત્રિલોચન શિવજી શેરીયા રે
જળહળ ઝળકે પંચવદન શિવજી શેરીયા રે …..(૫)

તમને વ્યાપે નહી વિષપાન શિવજી શેરીયા રે
નિરંજન નિલકંઠ ભગવાન શિવજી શેરીયા રે …..(૬)

શ્રવણે કુંડલ શોભે શાહ શિવજી શેરીયા રે
બિરાજે રૂઢમાળ ઉરહાર શિવજી શેરીયા રે …..(૭)

દશ ભુજ દિસે દક્ષિણ વામ શિવજી શેરીયા રે
કરો છો સેવકના શુભકામ શિવજી શેરીયા રે …..(૮)

પીનાક પાણી સૃગી સંગ શિવજી શેરીયા રે
ત્રિશુળ પાણી છે ત્રિપંખ શિવજી શેરીયા રે …..(૯)

કરમાં કંકણ ડમરૂ ડાક શિવજી શેરીયા રે
ભીક્ષા ભોજન શાકને પાક શિવજી શેરીયા રે …..(૧૦)

અંકુશ આયુધ તિક્ષ્ણ સાર શિવજી શેરીયા રે
કરવા કુટીલનો સંહાર શિવજી શેરીયા રે …..(૧૧)

વિભુતી વાઘંબર પરીધામ શિવજી શેરીયા રે
વાલુ વસ્તીપે સમશાન શિવજી શેરીયા રે …..(૧૨)

ઉત્તમ ઉપવીત કાળી નાગ શિવજી શેરીયા રે
ગમે છે ગાનતાન રંગ રાગ શિવજી શેરીયા રે …..(૧૩)

નંદી ભંગી નાચે ગાય શિવજી શેરીયા રે
ગાય વગાડે ઘેલા થાય શિવજી શેરીયા રે …..(૧૪)

શોભે વૃષભનું વાહન શિવજી શેરીયા રે
ધમકે ઘુઘર માળ રતન શિવજી શેરીયા રે …..(૧૫)

ભાવે ભાંગ ધતુરો ચાવે શિવજી શેરીયા રે
ઈચ્છાએ જાગ જગતમાં આવે શિવજી શેરીયા રે …..(૧۶)

ઓળગ કરે અષ્ટમાં સિધ્ધ શિવજી શેરીયા રે
ઘ્વારે દાસી છે નવ નિધ શિવજી શેરીયા રે …..(૧૭)

ભારે સૈન્ય ભૈરવ ભુત શિવજી શેરીયા રે
કરડા કીકરને જમદૂત શિવજી શેરીયા રે …..(૧૮)

સોંપ્યા સેવકને ભંડાર શિવજી શેરીયા રે
તમારો કુબેર છે કામદાર શિવજી શેરીયા રે …..(૧૯)

કરવા કોટિ કોટિ ભંડાર શિવજી શેરીયા રે
તમારો અદ્ભુત ખેલ અપાર શિવજી શેરીયા રે …..(૨૦)

કયારે ખાલી ન પડે ખેલ શિવજી શેરીયા રે
દિપક વણબત્તી વણ તેલ શિવજી શેરીયા રે …..(૨૧)

શોભે શિવશક્તિનો રાશ શિવજી શેરીયા રે
બૌધા સરખા બારે માસ શિવજી શેરીયા રે …..(૨૨)

વર્ણન ન કરી શકે વેદ શિવજી શેરીયા રે
બ્રહ્મા ઈન્દ્ર ન જાણે ભેદ શિવજી શેરીયા રે …..(૨૩)

ભુતળ ભાવે પ્રગટયા રાય શિવજી શેરીયા રે
કરો છો સેવકના શુભ કાજ શિવજી શેરીયા રે …..(૨૪)

હે તે હાંસલ પુરમાં આવ્યા શિવજી શેરીયા રે
સાથે પરિવાર સર્વે લાવ્યા શિવજી શેરીયા રે …..(૨૫)

દશર્ન દાસલડાને આપ્યા શિવજી શેરીયા રે
કળી મળ કોટી જનમના કાપ્યા શિવજી શેરીયા રે …..(૨૬)

પુજા અનંત પુકારે થાય શિવજી શેરીયા રે
ભકત જન ભાવે કિરતન ગાય શિવજી શેરીયા રે …..(૨૭)

જમે ને રમે વિપ્ર વૃંદ શિવજી શેરીયા રે
કરે છે અષ્ટ પોહર આનંદ શિવજી શેરીયા રે …..(૨૮)

ગરબો ગુરૂ પ્રતાપે ગાયો શિવજી શેરીયા રે
વાડવ વચને ઠીક કરાવ્યો શિવજી શેરીયા રે …..(૨૯)

હરીહર શકિત સરખા જાણો શિવજી શેરીયા રે
તેમા અંતરેખ ન આણો શિવજી શેરીયા રે …..(૩૦)

ગરબો શીખે સુણે ને ગાય શિવજી શેરીયા રે
તેના મન વાંછિત ફળ થાય શિવજી શેરીયા રે …..(૩૧)

પ્રિતે ગાય પદ સાડત્રીસ શિવજી શેરીયા રે
ગાતા રીઝયા ઉમૈયા ઈશ શિવજી શેરીયા રે …..(૩૨)

કિધા ભીડભંજન ના કામ શિવજી શેરીયા રે
બાવે જુગમાં ચલાવ્યું નામ શિવજી શેરીયા રે …..(૩૩)

સોપ્યા ભકિત મુકિત ભંડાર શિવજી શેરીયા રે
તમે છો વડા દેવ દાતાર શિવજી શેરીયા રે …..(૩૪)

રસિક કીધો રાયનો રાસ શિવજી શેરીયા રે
જાણો લઘુનાથ નીજ દાસ શિવજી શેરીયા રે …..(૩૫)

રાખો કૃપાનાથ તુમ પાસ શિવજી શેરીયા રે
વલ્લભ સમરે વારંવાર શિવજી શેરીયા રે …..(૩૬)

— જય અંબે —