મહાકાળીનો ગરબો

મહાકાળીનો ગરબો #

માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે
માં પરવરીયા ગુજરાત પાવા વાળી રે…..

માં સોળ કર્યા શણગાર મહાકાળી રે
માની ઓઢણી ઝાકઝમાળ પાવા વાળી રે.

માને કાંબીને કડલા શોભતા મહાકાળી રે
માને ઝાંઝરનો ઝમકાર પાવા વાળી રે…..

માને બાંધે બાજુ બંધ બેરખા મહાકાળી રે
માને દશે આંગળીએ વેઢ પાવા વાળી રે…..

માને નેપુર ઝુમણા શોભતા મહાકાળી રે
માને ટીલડી તપે લલાટ પાવા વાળી રે…..

માને નાકે નથેશ્વર શોભતા મહાકાળી રે
માને સેંથો ભર્યો સિંદૂર મહાકાળી રે
માનો ચોટલો વસીયલ નાગ પાવા વાળી રે…..

માં સૌ બેની તેડાવીશું મહાકાળી રે
માં સાથે કોયલ વીર પાવા વાળી રે…..

માં ફુલના દડા લીધા હાથમાં મહાકાળી રે
માં પરવરીયા ગુજરાત પાવા વાળી રે…..

માં પાટણ તમારૂ પરગણું મહાકાળી રે
માં ગુર્જર ખંડમાં નામ પાવા વાળી રે…..

માં શંખનપુર સોહામણું મહાકાળી રે
માનો મધ્યપુરમાં વાસ પાવા વાળી રે…..

માં સર્વે મળીને કરી સ્થાપના મહાકાળી રે
માજી માન સરોવર માય પાવા વાળી રે…..

માં કુકડીયા તે સજ કર્યા મહાકાળી રે
માં થયા તે ઘોડી આસવાર પાવા વાળી રે…..

માં કેશરી વાઘા પહેરીયા મહાકાળી રે
માં લીધુ ભમ્મર ભાલુ હાથ પાવા વાળી રે…..

માં રમત રમવા નિસર્યા મહાકાળી રે
આવ્યા માન સરોવર પાસ પાવા વાળી રે…..

માં માન સરોવર તલાવડી મહાકાળી રે
તેમાં ભરીયા નિર્મળ નીર પાવા વાળી રે…..

માં ઉતરીને કીધા પોતીયા મહાકાળી રે
માં નાહીને પીધુ નીર પાવા વાળી રે…..

માં ઘોડીમાંથી ઘોડો થયો મહાકાળી રે
માં સ્ત્રીમથી પુરૂષ પાવા વાળી રે…..

માનો ૫ડાંતરો ત્યાંથી થયો મહાકાળી રે
માનો પૃથ્વીમાં મહીમાય પાવા વાળી રે…..

માં હિંદુ કેરી દેવતા મહાકાળી રે
માં બિરદાવી બહુચર માત પાવા વાળી રે…..

માં લીલા તે જેના ફરફરે મહાકાળી રે
માં આવી મુગલા કેરી ફોજ પાવા વાળી રે…..

માં બહુચરમાં એમ બોલીયા મહાકાળી રે
અલ્યાના લઈશ મારૂ નામ પાવા વાળી રે…..

મુગલે વાત મનમાં ન ધરી મહાકાળી રે
ચડી મૃગલા કેરી ફોજ પાવા વાળી રે…..

માં બહુચર માના મૃગલા મહાકાળી રે
તે તરીયા તાવા માહય પાવા વાળી રે…..

માં કુકડીયા ભોજન કીધા મહાકાળી રે
પછી ચડી તે માને રીશ પાવા વાળી રે…..

માં મુવા તે મૃગ બોલાવીયા મહાકાળી રે
માં આસુર તણા ઘરમાંય પાવા વાળી રે…..

માં બહુચરમાં તમે કોપીયા મહાકાળી રે
માં આઈ થયા અસવાર પાવા વાળી રે…..

માં ત્રિશુલ લીધુ હાથમાં મહાકાળી રે
માં કીધો અસુર તણો નાશ પાવા વાળી રે…..

માં કુદીને ઘોડો મારીયો મહાકાળી રે
માં હાથી પાડયો એક પાવા વાળી રે…..

માં મોટો મુગલ એક મારીયો મહાકાળી રે
બીજા મુગલાનો નહી પાર પાવા વાળી રે…..

માં બકરા મુગલને મારીયો મહાકાળી રે
માર્યો પાદશાહનો ભાણેજ પાવા વાળી રે…..

માં હારી થયું સૌ એકઠુ મહાકાળી રે
ચાલ્યા પોતે મુગલ પાસ પાવા વાળી રે…..

તે મારૂ તે વાર્યુ નવ કર્યુ મહાકાળી રે
તે હાથે વસાવ્યુ વેર પાવા વાળી રે…..

ત્યાં હાથ જોડીને આવ્યા મહાકાળી રે
માને લળી લળી લાગે પાય પાવા વાળી રે…..

માં સોનાના ઘડાવું કુકડા મહાકાળી રે
માં લાવુ મંડપ માત્ર પાવા વાળી રે…..

માં તારૂ દેવળ ફરી ચણાવશું મહાકાળી રે
માં ઉપર ધોળી ધજાય પાવા વાળી રે…..

માં તારી તે ચાચર સાંધશુ મહાકાળી રે
માં વલ્લભ તારો દાસ પાવા વાળી રે…..

— જય મહાકાળી —