મીઠાનો રાસ

મીઠાનો રાસ #

સાંભળ શૈયર વાતડી – ઉત્તમ આસો માસ
શરદ પૂનમની રાતડી – ચંદ્ર ચડયો આકાશ
એવે સમયે હરી આવીયા – વનરાવનને ચોક
મોરલીમાં વેદ વગાડીયાને – તે સુણ્યા ત્રિલોક
અષ્ટફૂલ પર્વત ડોલીયા – ડોલીયા નવકુલ નાગ
મોર બપૈયા બોલીયા – સાંભળતા તે રાગ
જાતા વન થંભી રહયા – નદીઓ કેરા નીર
વછને બાલ વલંભીયા – ખાતા પીતા ખીર
ખગબગ શ્રવણ ધરી રહયા — તર્ણાને વંદે ગાય
દ્વારો ઠાર ઠરી રહ્યા — તરણા રહ્યા મુખ માય
પવન રહયો મુરછાઈને — મુની વરે મુક્યા ધ્યાન
વળી રહયા વિંટળાઈને – વન ઉપર વૈમાન
વાન વળ્યો વન વેલનો – પ્રગટ થયા ફળ ફૂલ
લોઢ ઢળ્યો રંગ રેલનો – અવળા નાખ્યા સુર
તે મોરલીના તાનમાં – વ્યાકુળ થઈ વૃજનાર
એક એકની સાનમાં — હિંડે હીરો હાર
નાકે જોગની આવ્યા – કંકણીયું પગ સાર
અવળા આભ્રણ પેરીયા – અવળા પેરીયા ચીર
અવળા ઓઢીયા લેરીયા – ભૂલ્યા સર્વ શરીર
એક એક આંખડી આંજેલ – એક એક વણ આંજેલ
ઘરી હરી પર ધાખડી — કરી હરી મળવા મન
મેલ્યા માતને તાતકે – મેલ્યા પ્રેઈ સુ ભાત
મેલ્યા કુટુંબ સહુ સાથને – જોતા ઉખન વાત
મેલ્યા મંદિરને માળ્યા – મેલ્યા રાજને પાટ
મેલ્યા ગોખને જાળીયા – લીધી વનની વાટ
વન આવી વનીતા મળી — વળી લાગે હરીને પાય
જાવ જાવ જાવ પાછાવળી — એમ બોલ્યા જદુરાય
પતિ સેવો પોતા તણો – જે દીધા જુગ્દા ધાર
તે તેમને સોહામણો – હોય પતિ વ્રતા નાર
પતિ વ્રતા પીછે નહિ – અવર પુરૂષની આશ
અધરાતે ઈચ્છે નહિ — ઘર મૂકી વનવાસ
આ શું કર્મ કીધુ તમે — અમને ચડાવી આળ
ગવાશે ત્રિલોકમાં – વાત વીધી વિકરાળ
હું પાતળા ને તમે નડી – કરી તમારા કામ
શીદ આવો છો આડીયું – મેલો નામને કામ
ગત મૂકીને જે કરે – અવગત ને અનુરાગ
બારે વાટે જે ફરે – તેનો નહી હું ગરાગ
મારે તમારે માનુની – કયાંની ઓળખાણ
વાત કરશો તાનની — એ હસવા માં હાણ
કર જોડીને કરગુરૂ – જાઓ તમા૨ે ઘેર
એટલે અબળા બોલીયા – કયા જઈએ કિરતાર
નહિ ઘ૨ને નહી ધોલીયા – નહી કરવાને ઠામ
તમ સારૂ અમે તજીયા – સગા કુટુંબ પરિવાર
તો તર છોડો કા તમે – હરી હૈયાના હાર
રાસ રમાડો રાતમાં – નહિતર તજસું પ્રાણ
વિઘન થશે વિલાસમાં – માતપિતાની હાણ
અલબેલાને એટલે – અંગે થયો ઉલ્લાસ
તત્પર થઈને તેટલે – રંગભર રચીયો રાસ
જણજણ સાથે જુજવા – હરીએ અબળા અનેક
વેગે પલવટ વાળીયા – મોરલી રાખી મુખ માય
તન ઉપર બે તળીયું – હરીએ ઝાંલી બાય
બે કોરે બે કામની – વચમાં વૈકુંઠ નાથ
વૃજ વસન છે માનુની – એક એકને ગળે હાથ
ફરતો ફેર ઘણો થયો – જાણે કનકનો કોટ
મોર મુગટ માથે ધર્યા – લટકે લોટને પોટ
કડલા કાંબી કમકમે – ઝાંઝરનો ઝમકાર
પાયે ઘુઘરા ધમધમે – વિંછીયા નો ઠમકાર
ધરતીના પડ ધમધમે – હેઠે સળવ્યો શેષ
કુરંગના અંગ કમકમે – માથે નાચે નરેશ
દુદુંભી વાગે દેવના – પુષ્પ તણો વરસાદ
પય સાકર ધૃત ક્ષીરના – જમે રમે સૌ સાથ
ચુંબન કરે મુખ ચુંદડી – આલીંગને આનંદ
ફરી ફરી લે ફૂદડી – ગોપીઓને ગોવિંદ
આવ્યા એવા ફાવિયા – પુરણ થયા પરસન
રમતમાં રમાડીયા – પુરણ થયા દરશન
રાત કીધી ખટમાસની – સૌની પુરી આશ
કહે મીઠાએ રાસમાં – વેદ વદી ગયા વ્યાસ

— જય અંબે —