રૂડે ગરબે રમે છે માત અંબિકા

રૂડે ગરબે રમે છે માત અંબિકા #

રૂડે ગરબે રમે છે માત અંબિકા રે
     પાયે વાગે છે ઘુઘરીના ધમકારો ……………રૂડે ગરબે…..

ગરબો જોવાને દેવ મુની આવ્યા રે
     ભેળા બ્રહ્મા સાવિત્રીને લાવ્યા રે ……………રૂડે ગરબે…..

આવ્યા ઈન્દ્ર, ઈન્દ્રાણીને દેવતા રે
     શિવ વિષ્ણુ તે શક્તિને સેવતા રે ……………રૂડે ગરબે…..

આવ્યા નવકુળ નાગને નાગણી રે
     જોવા આવી ન નાર અભાગણી રે ……………રૂડે ગરબે…..

ગરબો ઘુમે ને પટતાળી પડે રે
     દેવ દુદંભ ત્યાં તો ગડ ગડે રે ……………રૂડે ગરબે…..

માનો સીમા મોટો મહીમાય ઘે રે
     માને ચારે તે વેદો ગાય છે રે ……………રૂડે ગરબે…..

વાગે વેણાને તાલ મૃદંગમાં રે
     સ્વર તંબુરો ભર્યો રસ રંગમાં રે ……………રૂડે ગરબે…..

એવી ચોસઠ જોગણી ભેળી મળી રે
     નવ દુર્ગા જોતા મોહી રહી રે ……………રૂડે ગરબે…..

કર જોડી નરભે રામ ગાય છે રે
     માના ચરણ કમળમાં શીષ છે રે ……………રૂડે ગરબે…..

— જય અંબે —