સાત લીંબડામાં એક ડાળ મીઠી

સાત લીંબડામાં એક ડાળ મીઠી #

સાત લીંબડામાં એક ડાળ મીઠી રે ચોસલા ખંડવાળી
માએ પૃથુને પુત્ર જ આવ્યો રે ચોસલા ખંડવાળી
તેનું નામ તે મેરીયો ધરાવ્યું રે ચોસલા ખંડવાળી
મેરિયાને પડદે તે વાતુ થાય રે ચોસલા ખંડવાળી
સનમુખ થાવોને મોરી માત રે ચોસલા ખંડવાળી
મેરિયા ૨વા દે નહિં ઓળખાય રે ચોસલા ખંડવાળી
એવા નવનોરતાં ના દિન આવ્યા રે ચોસલા ખંડવાળી
મેરિયો હળવદ હટાણે હાલ્યો રે ચોસલા ખંડવાળી
માતા બુટે તે લીધો વેશ રે ચોસલા ખંડવાળી
સાઠ વરસની ડોશી થાય રે ચોસલા ખંડવાળી
અંગે પાસ પરૂ વહયા જાય રે ચોસલા ખંડવાળી
મેરિયો આવ્યો છે જેઠવા ધાર રે ચોસલા ખંડવાળી
માતા બુટ બેઠા મારગ માય રે ચોસલા ખંડવાળી
કયાં ગામે જાશે તારી વેલું રે ચોસલા ખંડવાળી
હળવદ આવું છે મારા વીરા રે ચોસલા ખંડવાળી
પડી રેને બગડે મારી વેલું રે ચોસલા ખંડવાળી
મેરીયા હળવદ હટાણું કરી વળ્યો રે ચોસલા ખંડવાળી
મા બુટે તે લીધો વેશ રે ચોસલા ખંડવાળી
સોળ વરસની સુંદરી થાય રે ચોસલા ખંડવાળી
માના તેજ તણો નહી પાર રે ચોસલા ખંડવાળી
મેરીયો આવ્યો છે જેઠવા ધાર રે ચોસલા ખંડવાળી
માતા બુટ બેઠા મારગ માય રે ચોસલા ખંડવાળી
કયાં ગામ જશે તારી વેલું રે ચોસલા ખંડવાળી
સાપકડે જાશે મારી વેલું રે ચોસલા ખંડવાળી
સાપકડા આવું મારા વીરા રે ચોસલા ખંડવાળી
મેરિયે ઝડપ રથ ઉભો રાખ્યો રે ચોસલા ખંડવાળી
માતા બુટ બેઠા રથ માય રે ચોસલા ખંડવાળી
ત્યારે મેરિયાનું મન બીજું થાય રે ચોસલા ખંડવાળી
માએ મેરિયાને માર્યો ત્યાંય રે ચોસલા ખંડવાળી
મેરિયો મરતા એટલુ બોલ્યો રે ચોસલા ખંડવાળી
તારી પાસે હજો મારો વાસ રે ચોસલા ખંડવાળી
ગાવ ગરબો શીવરામ દાસ રે ચોસલા ખંડવાળી
સાત લીબડામાં એક ડાળ મીઠી રે ચોસલા ખંડવાળી

— જય અંબે —