વિશ્વંભરી સ્તુતિ

વિશ્વંભરી સ્તુતિ #

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
     વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા|
દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો,
     મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો||

ભુલો પડી ભવરણે ભટકુ ભવાની,
     સૂજે નહી લગિર કોઈ દિશા જવાની|
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
     મામ્ પાહી ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો||

આ રંકને ઉગરવા નથી કોઈ આરો,
     જનમાન્ધ છું જનની હુ ગ્રહિ બાળ તારો|
ના શું સુણો ભગવતિ શિશુ ના વિલાપો,
     મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો||

મા કર્મ જન્મ કથની કરતા વિચારૂં,
     આ સૃષ્ટિમા તુજ વિના નથી કોઈ મારૂં|
કોને કહું કઠણ યોગ તણો બળાપો,
     મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો||

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
     આડંબરે અતિ ઘણો મદથી બકેલો|
દોષો થકી દુષિત ના કરી માફ પાપો,
     મામે પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો||

ના શાસ્ત્ર ના શ્રવણનું પયપાન પીધું,
     ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું|
શ્રધ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
     મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો||

રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી,
     આ જિંદગી થઈ મને અતિશય અકારી|
દોષો પ્રજાળી સધળા તવ છાપ છાપો,
     મામ્ પાહિ ઓમ્ ભગવતિ ભવ દુઃખ કાપો||

ખાલી ન કોઈ સ્થળ છે વીણ આપ ઘારો,
     બ્રહ્માંડમાં અણુ અણુ મહી વાસ તારો|
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
     મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો||

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
     ખોટો ખરો ભગવતિ પણ હું તમારો|
જાડયાંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો,
     મામ્ પાહી ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો||

શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે,
     તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચીતે|
વાધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો,
     મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો||

શ્રી સદગુરુ ના શરણમા રહીને ભજુ છુ,
     રાત્રિ દિને ભગવતિ તુજને ભજું છું|
સદ્ભક્ત સેવક તણા પરિતાપ ચાપો,
     મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો||

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,
     ગાઉ સ્તુતિ તવ બળે નમીને મૃગાની|
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
     મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો||  
 
—જય અંબે—