—:: ઇતિહાસ ::— #
બાળ બોધ ચોકમાં તે વખતે ઘનશ્યામસિંહ, બચુભા તથા ગોરધનભાઈ મિસ્ત્રી દ૨૨ોજ સાંજે સાવરણા લઈ ચોક વાળે, શે૨ીના દરેક બહેનો ઘડા માટલી પાણી ભરી લાવે, ચોકમાં છાંટે અને ગોરધનભાઈને બધા “સુરધન” ના નામે બોલાવતાં તેમનો મગજ ગરમ હતું. પોતાને કામકાજમાં અનુકુળ ન થાય તો ગુસ્સે થઈ જતાં તે મટોડીના રંગ લાવી પતરા કે કાગળના કાપેલા બીબાથી રંગોળી પુરતાં.
આમ, નવ નોરતા ચોક સફાઈ અને રંગોળી પુરવામાં આવતી. ૧૯૫૦ માં હું લીંબડી ભણતો ત્યારે નવરાત્રીમાં લખતર આવેલ ત્યારે ચોકમાં ડામર રોડ થયેલ તેથી મેં કીધું કે હું રંગોળી મોટી દોરૂ તમે બધા રંગ પૂરો. મે દરરોજ ૧૨ × ૧૨ ની રંગોળી પુરવાનું કામ શરૂ કર્યું. રંગોળી કામ ચાલતું હોય ત્યારે તે જોવા ચોકમાં ખાસ માણસો જોવા આવતાં. આમ નવ નોરતાં રંગોળી કામ થતું.
દરેક નોરતામાં આઠમનું ડેકોરેશન આ ચોકમાં ક૨વામાં આવતું અને આ ડેકોરેશનમાં પ્રસંગ ચિત્ર. મોડેલ મુકાતા જે માનવી જેમ હલન ચલન કરતાં, કાન ગોપીનો રાસ, ફરતી ટયુબો ફુવારા, નગારૂ વગાડતો માણસ, ધ્રુવ દર્શન દેતા વિષ્ણુ, મહિસાસુર મર્દની, શામળશા નો વિવાહ, વાલી સુગ્રીવ યુધ્ધ, વગેરે કાર્યો થતાં તેમાં વાયરમેન જેઠાલાલ, પેઈન્ટર રામભાઈ / સોલંકી / કાસમ વગેરે ચિત્રો બનાવતા. કાનુભાઈ સુથાર, રૂગનાથભાઈ, કેશાભાઈ તથા બીજા લાકડાનું કટીંગ કોતરકામ કરતા આવી રીતે તૈયાર થતાં નમૂના આઠમના દિવસે ગોઠવવામાં આવતાં અને નોમ સુધી રાખતાં અને લોકો ઉત્સુકતાથી નિહાળતાં. પછી ગામની ગરબીમાં શરૂ થયા.
આ ગરબીનો એક રિવાજ હતો કે ભાઈઓ જ ગરબા ગાતાં અને બહેનો બેઠા બેઠા જોતાં પછી ભાઈઓ તો ભાઈઓ અને બહેનો તો બહેનો ને જ ગાવાનું થતું. માઈક એમ્પલીફાયરનો ઉપયોગ ઓછો હતો. ૨૦૦ થી ૨૫૦ ગાનારાનું ચકક૨ થતું વચ્ચે નટુભા, મહિપતસિંહ, ભીખુભા, પ્રવિણસિંહ, દિલુભા, કાનુભાઈ સુથાર, કાનુભાઈ સોની ગાતાં તેમની સાથે ડબલ કડીઓ હું બોલતો એમ હું દરેક રાગથી, ઢાળથી માહિતગાર થયો અને સ્વતંત્ર ગવરાવતો થયો. ભીખુભા, પ્રવિણસિંહ, તથા દિલુભા ઉમરના લીધે નિવૃત્ત થતાં હું તથા દરબારના દિકરીઓ કૃષ્ણાબા, રસિકબા, નિતા તથા નીલાબેન તથા બીજી બહેનો ગવરાવતા.
દર પાંચ ગરબા પુરા થતાં પ્રસાદીમાં આખા પેંડા, કેળા કે સાટા દેવામાં આવતાં, બ્રમ્હા, ઈશ્વરવિવાહ વગેરેમાં સૌથી વધારે લાણી આપવામાં આવતી. ગરબા ગવરાવવામાં સુધી૨ભાઈ કંદોઈ ખુબ જ સાથ આપતાં ચોકમાં લગભગ ૨૫ થી ૩૦ બહેનો હતાં. તેઓનું ગરબા મંડળ લખતરમાં પ્રથમ બનાવી એકશન પ્રમાણે રાસ ગરબા ગામની દરેક ગરબીએ ગાવા જતાં અને લોકોના ટોળે ટોળા જોવા મળતાં અને બહેનોને ઈનામો આપતાં.
ચોકમાં નવીનતા ખાત૨ દિવાલ ઉ૫૨ મોટું ચિત્ર બનાવવાનું નકકી કર્યુ. રામભા પેઈન્ટ૨ના માર્ગદર્શન વડે મેં નટ૨ાજ, શેખનાદ, ગણપતિ, શિવભીલડી, અંબાજી, મહાકાળી બનાવ્યા પછી નવા પ્લાયવુડ પર દોરવાથી સચવાય અને કોઈ જગ્યાએ જરૂર પડે ફોટા ટીંગાડાય તે માટે રામ, કૃષ્ણ, ગણપતિ, દતાત્રેય, વિણાવાદિની, મહિસાસુર મર્દની, શિવ—પાર્વતીના ચિત્રો તેમજ સાલમુબારક ફલક બનાવવામાં આવતાં.
આ સિવાય જુદા જુદા મોડેલો મુકવામાં આવતાં આ ચોકમાં પ્રસાદી ઓટોમેટીક રીતે મળે તેવું મશીન બનાવેલ તે વિજ્ઞાનમેળામાં મુકતા જીલ્લા, રાજય, અને રાષ્ટ્ર કક્ષા સુધી ગયેલ છે.
ચોકમાં સંગઠન રહે તે માટે સભ્ય દિઠ રૂા. ૧.૫૦ દ૨ મહિને ઉઘરાવવામાં આવતાં અને તે રકમની લાણી લાવી સભ્યોને વહેંચવામાં આવે છે. હાલ મોટી આઈટમો આપવામાં આવે છે. લવાજમ રૂા. ૨૫/– થયું છે.
મારી પાસે વિડીયો કેમેરો આવતાં ચોકમાં જ શ્રી શકિત કેબલ નેટવર્ક હોઈ નવરાત્રી દરમ્યાન ચોકમાં ગવાતા ગરબાનું જીવંત પ્રસારણ રાતના ૧૦ વાગ્યાથી ૧ વાગ્યા સુધી ક૨વામાં આવે છે. અને તે કેસેટ બીજા દિવસે બપોરે એક વાગ્યે રીલે કરવામાં આવતી. આ ગરબીમાં ભારતની છેલ્લી શોધ પ્રમાણેનું પ્રથમ પ્રસારણ કરી લોકોને ખબર પડી કે ટી.વી.માં કેવી રીતે પ્રસારણ થાય છે.
આ ગ૨બીએ નાત જાતના ભેદભાવ વગર દરેક જ્ઞાતિ તેમજ મુલ્લાજી, મુસલમાન, ખોજા ભાઈ બહેનો ગરબા ગાવા આવે છે. ગાય છે, અને નવરાત્રી નો આનંદ મેળવે છે.
વર્ષો પહેલા આ ગરબીના માઈ ભકતો ૩૦ થી ૪૦ જણાનો સમૂહ કારતક પૂનમે ટ્રેન મારફતે અંબાજી જઈ સરઢવની ધર્મશાળામાં ઉતરતાં, ત્રણ દિવસનું રોકાણ કરી ત્યાં ગબ્બર, કોટેશ્વર, કુંભારીયા દર્શને જતાં અને ધર્મશાળામાં જ રસોડું ખોલતાં અને ત્યાં જ જમતાં. દ૨૨ોજ માનસરોવરમાં સ્નાન કરવા જતાં. આમ, ભક્તિભાવથી અંબાજીમાં પણ ગરબા ગાવાની બધાને મજા આવતી.
આ ગરબીની શરૂઆત થઈ ત્યારે ફક્ત ત્રણ જ ગરબી હતી. (૧) ભૂતશેરી (૨) લાલ માંની (૩) ધનેશ્વર પછી ગામમાં લતાવાર અને મંદિ૨વાર ગરબીઓ હાલમાં છે. તેમાં (૧) મહાકાળી (૨) ભૂતશેરી (૩) રામ મહેલ (૪) શિયાણી દરવાજા (૫) ખોડીયારમાંની દેરી (૬) લખતરીયા શેરી (૭) લુહારની ગરબી (૮) ધનેશ્વર (૯) બાળબોધ ચોક (૧૦) પોલીસ લાઈન (૧૧) પરાંની ગરબી (૧૨) ગોપાલની ગરબી તેમજ હરીજનવાસ તથા મઢોમાં નવરાત્ર ઉજવાય છે.
પ્રાથમિક શાળાની બાળાઓની ગરબા ટુકડીઓ તૈયાર થઈ દરેક ગરબીએ ગરબા ગાવા જાય છે.
ભાવિકો ત૨ફથી પ્રસાદ અને પૈસા આ ગરબી માટે આવે જાય છે. અને સર્વે બાળબોધ ના દર્શનાર્થી તેનો લાભ લે છે. ભંડા૨ો ક૨વામાં આવે છે. ત્યારે સાગમટે જમવાનું હોય છે. અને પ્રસાદ પણ વહેંચવામાં આવે છે.
આ ગરબીમાં જુવાનસિંહ, ચનુભા, રામભા, જદુવિરસિંહ, બચુભાઈ શાહ, નાનુભાઈ શેઠ, વગેરે દેખરેખ અને સાથ સહકાર આપતાં,
જયારે આ ગરબીની શરૂઆતમાં જગદીશ આશ્રમના ભાવ પ્રકાશજી ચોકમાં આવતાં તેમણે બાળકો ગાતાં જોઈ ગરબીનું નામ બાળ બોધ ગરબી કહ્યું અને ત્યારથી બાળબોધ નામ રાખ્યું. ૧૯૬૦ માં જયારે રતીભાઈ કંદોઈની દિવાલ ઉપર નટરાજ દોરવાનું શરૂ કરતા પહેલા ઉપ૨ “બાળ બોધ ચોક” એવું લખ્યા પછી નીચે નટરાજ દોરવામાં આવ્યા હતાં. ત્યારથી ગામમાં આ ચોક નું નામ પ્રચલિત થયું.
- ચંદુભાઈ છગનલાલ મકવાણા “ઉડન”